શહેરા તાલુકાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક G-SHALA Application દ્વારા શિક્ષણ કાર્યરત કરાયું… શહેરા તાલુકામાં 2000 જેટલા શિક્ષકો અને 40000 જેટલા બાળકો ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરી રહ્યા છે. કોરોના મહામારીમાં બાળકોને પોતાના ઘરે જ ઉત્તમ કક્ષાના વિષયવસ્તુ વાળું શિક્ષણ મળી રહે તે હેતુથી શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા G-SHALA Application શરૂ કરવામાં આવી છે. જેમાં ધો.1 થી 12 તમામ વિષયોનું ઉત્તમ સચિત્ર એનિમેશન, હોમ વર્ક અને એસેસમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરા તાલુકાના તમામ શિક્ષકો અને સી.આર.સી.કો.ઓર્ડીનેટરોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. તેમજ સરકારી પ્રાથમિક, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પોષક વિસ્તારના વાલીઓના સ્માર્ટ ફોનમાં શિક્ષકો અને સી.આર.સી.કો.ઓર્ડીનેટરો દ્વારા ઘરે જઈને એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવવામાં આવી રહી છે. રવિવારના દિવસે બીલીયા પ્રા.શાળા, લાલસરી પ્રા.શાળા, બેઢા ફળીયા પ્રા.શાળા અને કવાલી પ્રા.શાળાના પોષક વિસ્તારમાં બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર, સી.આર.સી.કો.ઓર્ડીનેટર અણીયાદ ભુપેન્દ્રસિંહ સોલંકી, બીલીયા પ્રા.શાળાના શિક્ષક ભવાનસિંહ ચૌહાણ, લાલસરી પ્રા.શાળા શિક્ષક મનહરસિંહ ચૌહાણ, કવાલી પ્રા.શાળાના શિક્ષક ચંદનસિંહ ચાવડા વગેરે દ્વારા 30 વધુ બાળકોના ઘરે જઈને G-SHALA Application ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ સંદર્ભે વાલી – વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સમગ્ર તાલુકાના શિક્ષકો દ્વારા અને સી.આર.સી.કો.ઓર્ડીનેટરો દ્વારા તાલુકાની 307 શાળાઓના પોષક વિસ્તારમાં રૂબરૂ જઈ 5 હજારથી વધુ બાળકોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને ઉપયોગ કરાવવામાં આવી રહ્યો છે. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં શહેરા શિક્ષણ પરિવારના સહકારથી તાલુકાના પ્રત્યેક બાળકોને G-SHALA Application થી શિક્ષણ મળી રહે તે માટે સ્માર્ટ ફોન ધરાવતા બાળકોને વધુમાં વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવશે. તેમજ જે બાળકો પાસે સ્માર્ટ ફોન નથી તેવા બાળકોના ઘરની નજીકના સ્માર્ટ ફોન ધરાવતા જાગૃત વાલીઓનો સહકાર મેળવી તેમને પોતાના ધોરણનું શિક્ષણ મળે તેવું આયોજન કરવામાં આવશે. G-SHALA Application ડાઉનલોડ કરાવી માર્ગદર્શન આપનાર શિક્ષકો, સી.આર.સી.કો.ઓર્ડીનેટરો, સમગ્ર શિક્ષા ટીમ, વિદ્યાર્થીઓના માતા પિતા, વાલીઓ તેમજ અન્ય સહકાર આપનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે Online ભાગ લઈ રજિસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. G-SHALA Application ડાઉનલોડ પ્રક્રિયા દરમિયાન કોવિડ – 19 અને શિક્ષણ વિભાગની SOP ની ગાઈડલાઈન અનુસરવામાં આવે છે.